
લોકમેળા માટે કુલ 10 નામોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.. આજે સાંજ સુધીમાં લોકમેળાનું નામ જાહેર કરી દેવાશે.. મેળામાં સુરક્ષાનો કડક બંદોબસ્ત રહેશે. મેળાના સ્થળે પાંચ મોટા પોલીસ ટાવરો ઉભા કરવામાં આવશે જ્યાંથી સમગ્ર મેળા પર નજર રાખી શકાશે
રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોમાં યોજાતા લોકમેળાની તૈયારી અંતિમ તબક્કામાં છે. આ વર્ષે પહેલીવાર AI અને ડ્રોનથી ક્રાઉડ કંટ્રોલ કરાશે. AI ડ્રોન કેમેરા સાથે કનેક્ટેડ હશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ AI કેવી રીતે ક્રાઉડ કંટ્રોલ કરશે તેને સરળ ભાષામાં સમજીએ તો ઉદાહરણ તરીકે જો 100ની કેપિસિટી સામે 70 માણસો હશે તો પણ AI કંટ્રોલરૂમને કમાન્ડ આપશે અને એન્ટ્રી ગેટ બંધ કરાવશે. જેને લઈને કેપિસિટી કરતા પણ ઓછી સંખ્યામાં ભીડ એકત્ર થશે. જેનાથી અંદર રહેલા લોકો પણ સરળતાથઈ મુવમેન્ટ કરી શકે અને તેને કોઈ તકલીફ ન પડે.
ભીડને નિયંત્રણ કરવા માટે આ વખતે પ્રથમ વખત AIનો ઉપયોગ કરાશે. જેમાં ડ્રોન કેમેરા લોકમેળામાં રહેલા તમામ માથાની ગણતરી કરશે. આ સાથે જ ઈમરજન્સી માટે ડેડીકેટેડ રોડ, 5 વોચ ટાવર પરથી NDRF અને SDRF સહિતની ટીમ ખડેપગે રહેશે જે સતત ભીડ પર નજર રાખશે. જો કોઈ શંકાસ્પદ જણાશે તો તુરંત જ પોલીસને જાણ કરી તેને લોકમેળામાંથી બહાર કાઢવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરશે.
લોકમેળામાં ક્વીક રિસ્પોન્સ ટીમ તૈનાત રહેશે. જેમા SDRF, NDRF, હેલ્થ, ફાયર અને પોલીસના જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની સૂચના મળે તો ઝડપથી તે જગ્યાએ ટીમ પહોંચી જશે. આ સાથે જ મેળાના પ્લાનિંગ માટે ડેડીકેટેડ ઇવેલ્યુશન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. જેથી લોકમેળામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થાય તો તેને પહોંચી વળી શકાય.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટી પડશે.
આ મેળામાં અઘોરી ગ્રુપ સહિતના આકર્ષણ જોવા મળશે તો સૌરાષ્ટ્રના નામાંકિત 50થી વધુ કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે સ્ટેજ અપાશે. આ ઉપરાંત હાલ રેસકોર્સ મેદાનમાં હજુ યાંત્રિક રાઈડ ઉભી કરવાનું શરૂ કરવામાં નથી આવ્યું ત્યારે તેઓ ઝડપથી રાઈડ ઉભી કરી સોઈલ ટેસ્ટ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરે એવું કલેક્ટરે જણાવ્યું હતું.
લોકમેળામાં કલ્ચરલ એક્ટિવિટી ખૂબ જ સારી રીતે થાય એવા પ્રયાસો છે. જેમાં તારીખ 14ના અઘોરી ગ્રુપ, 15મીએ અલ્પાબેન પટેલ, 16 મીએ રાજુ જાદવ, 17 મીએ રાજ ગઢવી અને 18મી એ અનિરુદ્ધ આહીરનું ગ્રુપ લોકોને મનોરંજન પીરસશે, જેમાં ડ્રામા, ફોક ડાન્સ, ક્લાસિકલ ડાન્સ અને મ્યુઝિકલ ઇવેન્ટ યોજાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઉભરતા ગાયક કલાકારો છે તેઓને લોકમેળામાં પોતાની કલા પ્રદર્શિત કરવા માટે સ્ટેજ મળે તેવો ઉત્તમ પ્રયાસ કરવામાં આવશે. જેમાં દરરોજ સાંજે 4:00 થી 7:00 વાગ્યા દરમ્યાન આ કલાકારો પોતાની કલા લોકો સમક્ષ પ્રદર્શિત કરશે. જેથી 50થી વધુ આર્ટિસ્ટ આ દિવસો દરમિયાન પોતાનું પરર્ફોર્મન્સ આપશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળામાં 90 કિલોવોટના 17 વીજ ટ્રાન્સફોર્મરમાંથી વીજ સપ્લાય કરવામાં આવનાર છે. જેમા ચાર ફીડરમાંથી લોકમેળામાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં હાલ 10 જેટલા ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ છે. જયારે વધારાના 7 ટ્રાન્સફોર્મર તાબડતોબ રેસકોર્સ ગ્રાઉન્ડમાં મૂકવામાં આવનાર છે. લોકમેળામાં વીજ કનેકશનો માટે અન્ડરગ્રાઉન્ડ કેબલ પાથરવામાં આવનાર છે. આ અંગેની કામગીરી આગામી ટુંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવનાર છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel