
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન હવે NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે આ જાહેરાત કરી હતી.
Know Who Is CP RadhaKrishnan NDA Vice President Candidate : મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન હવે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ પદના NDA ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ મોટી જાહેરાત કરી હતી. રાધાકૃષ્ણન હાલ 2024થી મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે અને બે વખત લોકસભા સભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. જો વિરોધ પક્ષ પોતાના ઉમેદવારને ઊભો કરે, તો 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. હાલ NDA પાસે લોકસભા અને રાજ્યસભાના સભ્યો સાથે મજબૂત બહુમતી છે. 781 સભ્યોની ઈલેક્ટોરલ કોલેજમાંથી NDA પાસે ઓછામાં ઓછા 422 સભ્યોનું સમર્થન છે, જેના કારણે રાધાકૃષ્ણનની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ગુપ્ત મતદાનથી થાય છે, તેથી તેમાં પાર્ટી વ્હીપ લાગુ પડતો નથી. આ ચૂંટણી જગદીપ ધનખડના સ્વાસ્થ્યના કારણે અચાનક આપેલા રાજીનામા પછી યોજાઈ રહી છે.
સી.પી. રાધાકૃષ્ણનનો જન્મ 4 મે, 1957ના રોજ તિરુપુર, તમિલનાડુમાં થયો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયા હતા. ત્યારથી તેઓ સતત સંગઠન અને ભાજપમાં સક્રિય રહ્યા છે. કોઈમ્બતુર લોકસભા મતવિસ્તારમાંથી તેઓ 1998 અને 1999માં સતત બે વખત સંસદમાં પહોંચ્યા હતા, જોકે 2014 અને 2019ની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજકીય કારકિર્દીમાં તેમણે ભાજપના તમિલનાડુ રાજ્ય પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. 2004થી 2007 દરમિયાન તેમણે આ પદ પર રહીને રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવાની મોટી જવાબદારી સંભાળી હતી. તેમના સંગઠન કુશળતા માટે તેઓ ઓળખાય છે. રાધાકૃષ્ણનને 18 ફેબ્રુઆરી 2023ના રોજ ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં 2024માં તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે જવાબદારી સોંપાઈ હતી.
સી.પી. રાધાકૃષ્ણને વર્ષ 2004થી 2007 દરમિયાન તમિલનાડુ ભાજપના પ્રમુખ તરીકે સેવા આપી હતી. આ સમયમાં તેમણે 93 દિવસની રથયાત્રા યોજી હતી, જેનુ મુખ્ય ઉદ્દેશ નદીઓનું જોડાણ, આતંકવાદ સામે જાગૃતિ અને અસ્પૃશ્યતાનું સમૂલ નાબૂદીકરણ હતું. તેઓ સંસદમાં કાપડ પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ રહ્યા હતા અને સાથે જ નાણાકીય તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમો સંબંધિત વિવિધ સમિતિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
કોઈમ્બતુરની VO ચિદમ્બરમ કોલેજમાંથી તેમણે BBAની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ તેમણે પોતાની પત્ની સુમતિ સાથે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મંદિર પરિસરમાં પ્રાર્થના કરી અને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે આશીર્વાદ માગ્યા હતા. હવે NDAએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કર્યા બાદ રાજકીય વર્તુળોમાં તેમની જીતને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે. સી.પી. રાધાકૃષ્ણનનો લાંબો રાજકીય અનુભવ, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને NDA પાસેની બહુમતીને કારણે તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Know Who Is CP RadhaKrishnan NDA Vice President Candidate